આપણે બધા એવું ઈચ્છતાં હોય છીએ કે આપણુ ઘર
એક સરસ મજાના મંદિર જેવુ રળીયામણુ,પવિત્ર અને સુખ આપનારૂ હોય.
લોકોને આપણા ઘરે આવવાનુ કાયમ મન થતું રહે તેવું આપણુ ઘર હોવું જોઈએ.
આપણુ ઘર એટલે અહીં મકાન કે બીલ્ડીંગની વાત નથી.
કે નથી વાત ઘરમા રહેલા ફરનીચર કે રાચ રચીલી ચીજ વસ્તુઓની.
વાત તો છે ઘરમા સાથે રહેતા આપણા સંતાનો, ભાઈ બહેનો અને માતા પિતાની. આપણુ ઘર એમનેએમ નથી પ્રાપ્ત થયું, તે તો લાખો વર્ષોની મહેનત અને યાતનાઓ બાદ પ્રાપ્ત થયેલી એક અદભુત સીસ્ટમ છે. આપણુ ઘર એટલે સ્થળ સાથેની પ્રીત અને સમય સાથેના તાલ અંગેની કેળવણી. એક બાબત કાયમ યાદ રાખવી જોઈએ. ઘરમા સાથે રહેતા સભ્યો સાથે જેટલો સહકાર રાખીએ એટલો સહયોગ પ્રાપ્ત થાય અને જેટલો સહયોગ મળે એટલો સમભાવ વધે છે. ઘરની એકધારી જીંદગી કે વસવાટથી કંટાળી લોકો ભલે ક્લબમાં જાય કે હીલ સ્ટેશન ઉપર ફરવા જાય,પરંતુ થોડા દીવસો બાદ ત્યાંથી પણ કંટાળીને પાછા ઘરે આવી જ જાય, કારણકે ઘર જે માનસિક શાંતિ આપે છે, આરામ આપે છે, લાગણીઓ આપે છે, વિશ્રામ માટે પુરતી સુવિધાઓ આપે છે તે અન્ય સ્થળે મળી શકતા નથી. એટલે તો ઘરને સ્વર્ગ કહેવાય છે, ઘરને જો મંદિર જેવુ પવિત્ર અને રળીયામણુ બનાવવું હોય તો ઘરમા સૌનો પ્રેમ અને માન વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટેની પાયાની પાંચ બાબતો સમજવા જેવી છે. (1) સમભાવ, એટલેકે ઘરમા સૌ વહેંચીને ખાઈએ, એકલા એકલા ખાવું સારૂ નથી કહેવાતું. (2) કલ્યાણભાવ, એટલેકે સૌએ સાથે મળીને ધ્યેય નક્કી કરી પ્રગતી કરવી. (3) પરસ્પરતા, એટલેકે સૌ પોતપોતાનુ કાર્ય વ્યવસ્થિત કરે જેથી ઘર સંચાલન સારૂ જળવાઈ રહે. (4) સ્નેહભાવ, એટલેકે ઘરમા એક બીજા સાથે સંવાદિતા જળવાઈ રહે, સાનમાં સમજી શકીએ. (5) શ્રધ્ધાભાવ, એટલેકે વડિલો પ્રત્યે માન, સરખા પ્રત્યે સ્નેહ, નાના પ્રત્યે અનુકંપા વ્યક્ત કરતા રહેવી. જો ઘરમા તે પાંચેય ભાવ એકદમ મજબૂત હોય તો ઘરના પાયા ક્યારેય ડગમગતા નથી. સામાજિક પ્રતિષ્ઠા જોખમાતી નથી. આપણે ઘર બરોબર સાંચવવુ જોઈએ કારણકે તે સામાજિક સંસ્કારધામ કહેવાય છે. જે ધારણ કરીએ તેને ધર્મ કહેવાય છે. જો ઘરમા આપણે આપણો ધર્મ બજાવીએ નહી તો ઘરની ઈમારત ડગમગવા લાગે, સમાજમાં આપણી ફજેતી થાય, આબરૂ ઘટવા લાગે છે. આપણા ઘરને જો આપણે સમ્રુધ્ધ કરવું હોય તો ઘરમા પ્રવર્તતા ભાવાવરણને ઓળખવા જોઈએ. ઘરમા ઘણા પ્રકારના ભાવાવરણ પ્રવર્તતા હોય છે. ભાવ એટલેકે એકબીજા પ્રત્યેની લાગણી અને આવરણ એટલે જેને અંગ્રેજી ભાષામા ક્લાયમેટ કહેવાય છે એટલેકે વાતાવરણ. જે ઘરમા સૌ એકબીજા સાથે સ્નેહ ધરાવતા હોય, પરસ્પર ઉપયોગી થતાં હોય, જતુ કરવાની ભાવના ધરાવતા હોય તે સઘળાને સંવર્ધક ભાવ કહેવાય છે, જો આવા ભાવ ઘરમા કાયમી રીતે જળવાઈ રહેતા હોય તો ઘરની પ્રગતિ કે ઉન્નતિ ચોક્કસ થાય જ છે. જે ઘરમા બધુંજ ઘરના વડિલ કે મુખ્ય વ્યક્તિને પુછી પુછી ને જ કરવુ પડતુ હોય તે ઘરમાં પ્રવર્તતા ભાવને આપખુદી ભાવ કહેવાય છે. જેનાથી ઘર ટકતુ નથી. ઘર તુટતું જાય છે, ઘરના સભ્યો અલગ થવા લાગે છે. જે ઘરમાં પુરૂષ કામ ધંધેથી પરવારી ઘરે સમયસર આવવાને બદલે મોડા આવે, ભણતર અભ્યાસ કરવાને બદલે બાળકો આખો દીવસ ટીવી જોયા કરતા હોય, વડિલ વર્ગ કાવાદાવા કુથલી કે કંકાસ કર્યા કરતા હોય, તેવી સ્થીતી ઘરમા રહેતી હોય તો તેને અવ્યવસ્થિત વાતાવરણ કહેવાય છે. ઘરમા બધા એકબીજાની ભુલો કાઢ્યે રાખતા હોય, એકબીજાની સાથે લડતા ઝઘડતા રહેતા હોય, એક બીજાના માન મર્યાદાનુ ઉલંઘન કરતા હોય, નાના મોટાની તમીઝ ન હોય, ભણતર હોય પણ ગણતર ન હોય તો તેવા વાતાવરણ વાળા ઘરને ક્લેશમય કહેવાય છે. જો ઘરમા આવું ક્લેશમય વાતવરણ રહેતુ હોય તો ઘરમા કલયુગ પ્રવેશી ચુક્યો છે તેમ માનવુ જોઈએ. જ્યાં કલયુગનુ વાતાવરણ રહેતુ હોય તે ઘરમા ક્યારેય વિશ્વચેતના મદદરૂપ થઈ શકતી નથી પરીણામે ઘરના કોઈપણ પ્રશ્નોનુ નિરાકરણ આવી શક્તુ નથી. ઘરમા બધાજ સભ્યો કાયમ ઉંચા જીવે જીવતા માલુમ પડે છે, ઘરની સુખ શાંતિ જળવાઈ શકતી નથી. અને છેલ્લે એક વાત
જો આપણે ઘરમા સત્તા કેન્દ્રને વિકસાવીએ નહી, પોતીકુ અને પારકુ વચ્ચેની ભેદ રેખાને ઉપસાવીએ નહી, સૌને સરખા ગણીએ અને સૌને માન આપતા રહીએ, મન સાંકડા ન બનાવીએ, મનમા ઈર્શ્યાભાવ ન જગાવીએ, સંકુચિતતા અને લઘુતાગ્રંથી થી દુર રહીએ, મનને મોટુ રાખીએ, બેઠાડુ જીવનશૈલી ન રાખીએ, કોઈની પીઠ પાછળ ઘસાતુ ન બોલીએ, વારંવાર પુચ્છ્યા કરવાની આદત ન રાખીએ, બીનજરૂરી કોઈને કામ ન સોંપીએ, આપણુ કામ જાતે જ કરીએ, ઘરમા કાયમ એક બીજા પ્રત્યે ભાવના અને લાગણીની ભીનાશ રજુ કરતા રહીએ તો ઘર એક સરસ મજાનુ મંદિર બની શકે છે.
કારણકે મનુશ્ય એ ઈશ્વરનુ છેલ્લું અને શ્રેષ્ઠ સર્જન હોવાથી તે શક્ય બની શકે છે.